વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના અપુલિયામાં G-7 સમિટના અવસર પર જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવવા બદલ વડાપ્રધાન કિશિદાનો આભાર માન્યો હતો. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે, તેમના ત્રીજા કાર્યકાળમાં પણ જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા મળતી રહેશે. બંને નેતાઓએ કહ્યું કે ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પોતાના 10મા વર્ષમાં છે અને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા, નવા અને ઉભરતા ક્ષેત્રોને જોડવા અને B2B અને P2P સહયોગને મજબૂત કરવાના માર્ગ પર ચર્ચા કરી.
ભારત અને જાપાન ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે જેમાં ઐતિહાસિક મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) પણ સામેલ છે. 2022-2027ના સમયગાળા દરમિયાન ભારતમાં 5 ટ્રિલિયન યેનનું જાપાની રોકાણનું લક્ષ્ય છે અને ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારીનો ઉદ્દેશ્ય આપણા મેન્યુફેક્ચરિંગ સબંધી સહકારમાં પરિવર્તન લાવવાનો છે. બંને નેતાઓએ આગામી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પોતાની ચર્ચાઓ ચાલુ રાખવા માટે આતુરતા વ્યક્ત કરી હતી.
ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોરના ઘણાંં ફાયદા
G7 સમિટના અંતમાં ઔદ્યોગિક દેશોના સમૂહે ભારત-પશ્ચિમ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) જેવી નક્કર માળખાકીય પ્રસ્તાવોને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) પ્રોજેક્ટ હેઠળ સાઉદી અરેબિયા, ભારત, યુએસ અને યુરોપ વચ્ચે એક વિશાળ રોડ, રેલમાર્ગ અને શિપિંગ નેટવર્કની પરિકલ્પના કરવામાં આવી છે જેથી એશિયા, પશ્ચિમ એશિયા અને પશ્ચિમ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરી શકાય.
G-7 સમિટના અંતમાં કહેવામાં આવ્યું કે, અમે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે પરિવર્તનકારી આર્થિક કોરિડોર વિકસિત કરવા માટે G-7 PGIIના ઠોસ પ્રસ્તાવ, પ્રમુખ પ્રોજેક્ટ અને પૂરક પ્રસ્તાવોને પ્રોત્સાહન આપીશું. જેમ કે લોબિટો કોરિડોર, લુઝોન કોરિડોર, મિડલ કોરિડોર અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે અમારા સમન્વય અને ફાઈનાન્સિંગ કાર્યક્રમોને મજબૂત કરવા અને આ સાથે જ ઈયુ ગ્લોબલ ગેટવે, ગ્રેટ ગ્રીન વોલ પહેલ અને આફ્રિકા માટે ઈટાલી દ્વારા શરૂ કરવામાં આવેલી મૈટેઈ યોજનાને તૈયાર કરવાનું છે.
Comments 1
Prakash Malla
great article i want to join